અક્ષરધામના અધિપતિ સર્વોપરિ શ્રી સ્વામિનારાયણ ભગવાન ગઢપુરને વિષે દાદાખાચરના દરબારમાં સંતો-હરિભક્તોની વિશાળ સભામાં પોતાની દિવ્ય અમૃતવાણીનો લાભ આપી રહ્યા હતા. ત્યારે મહાપ્રભુ સંતોને ઉદેશીને કહ્યું “ આ ઘોર કળીયુગમાં જીવપ્રાણી માત્ર વિષય, વ્યસન, વહેમ અને અંધશ્રધ્ધાથી પીડાય છે. આવા જીવોને વહેમ અને અંધશ્રધ્ધામાંથી બહાર લાવી વ્યસનમુક્ત કરી પ્રગટ ભગવાનના શરણે લેવા એ જ પરોપકાર, એ જ સાચી સેવા. એમાં અમારો બહુ રાજીપો છે ” ત્યારે સંતોએ શ્રીજી મહારાજને પ્રશ્ન પુછ્યો કે, “ એવો ક્યો દેશ છે, જ્યાં આવો પરોપકાર કરવાથી આપ બહુ રાજી થાવ ”
મહાપ્રભુએ રાજી થઇને ઉત્તર આપ્યો “ સંતો ! આ પંચમહાલ દેશમાં સંત્સંગ કરાવો તો અમે ખુબ રાજી થઈએ. કારણ,આ પંચમહાલ એટલે ઝાડી દેશ. આ ઝાડી દેશમાં હિંસક પ્રાણીઓ અને ઝેરી જાનવરોનો ખુબ ત્રાસ છે. તો વળી, આ નિર્દોષ, ગરીબ પ્રજા દારુ, માંસ, અફીણ, તમાકુ આદી વ્યસનોના કેફમાં મસ્ત બનેલી છે. વળી, ભુત-પ્રેતાદિક અને જીવીત ડાકણના ઉપદ્રવથી રિબાય છે. મેલી વિદ્યાના જાણકાર તાંત્રીકો ભોળી પ્રજાને વહેમ અને અંધશ્રધ્ધામાં ફસાવી ગુરુ થઈ બેઠા છે. આ ઝાડી દેશમાં સંત્સંગ કરાવવા કોઈ તૈયાર ખરુ! કહો, સંતો ઝાડી દેશમાં કોઈ પ્રચાર કરવા તૈયાર છે ?”
જીવના જોખમે ઝાડી દેશમાં જવા કોણ તૈયાર થાય ? સૌ વિચારમાં પડી ગયા. ત્યાં તો સદ્દ,ગોપાળાનંદ સ્વામી ઉભા થયા અને બે હાથ જોડીને બોલ્યા “ મહારાજ, દયાળુ ! આપની આજ્ઞા હોય તો આ સેવક ઝાડી દેશમાં જવા તૈયાર છે.” ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા “સ્વામી ! ઝાડી દેશમાં સત્સંગ કરવાનું કામ સહેલું નથી હો ! અઘરુ છે. જંગલી પ્રાણીઓ, ભુતપ્રેતાદિક, વરસાદ, પાણી વગેરે જેવી ઘણી મુશ્કેલીઓ હોય છે.”
ત્યારે સદ્ગુરુ ગોપાળનંદસ્વામી બોલ્યા “ ભલે મહારાજ, ગમે તેટલી મુશકેલીઓ હોય પણ આપ ભેળા છો પછી મારે શી ચિંતા ! સત્સંગ તો આપને જ કરાવવાનો છે. અમે તો નિમિત માત્ર છીએ. માટે ભેળા ભળજો અને આપના સંકલ્પો પુરા કરાવજો ” ત્યારે શ્રીજી મહારાજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ઉપર રાજી થઈ બોલ્યા “ વાહ રે સ્વામી વાહ ! અમારા સંકલ્પને તમે જ પુરો કરશો. તમે મંડળે સહિત ઝાડી દેશમાં પધારો.”
સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા અધ્ધરથી જીલી ઝાડી દેશમાં પધાર્યા. વનની વાટ પકડી જંગલમાં ઝાડ નીચે રહેવાનું, હિંસક પશુઓ અને ઝેરી જીવાંતોનો ત્રાસ. તો વળી, ડાકલા વાગે, ભલભલા બી જાય. સંતોની મુંઝવણને પારખી સૌના ગભરાટને દુર કરવા સ્વામીએ હાથમાં તુંબડી લઈ વૃક્ષની ફરતે લીટો કર્યો અને પાણી રેડી પાળ બાંધી. વાઘ, સિંહ, રીંછ, વરુ આદી હિંસક પ્રાણીઓ તથા ઝેરી જનાવર ફરતા આંટા મારે પણ અંદર આવી ન શકે. વરસાદ ચારે કોર વરસે પણ અંદર પાણીનું ટીંપુ પણ ન પડે. આમ, સ્વામી ઝાડી દેશમાં જંગલમાં ઝાડ નીચે ઉતરતા અને ગામો ગામ સત્સંગ માટે વિચરતા. વિચરણ દરમ્યાન લુણાવાડા થી સંતરામપુર જતા રસ્તામાં અંહી ગોધર ગામ આગળ ઝાડ નીચે વિરામ કરી સ્વામીએ જરુર સંક્લ્પ કર્યો હશે “ હે મહારાજ, આ ઝાડી દેશમાં આપના સંકલ્પો મુજબ શુધ્ધ સર્વોપરી ઉપાસના પ્રવર્તનનું ભવ્ય મંદિર થાય તેવી દયા કરજો. અહીંથી ઝાડી દેશના અનેક મુમુક્ષુઓ વિષય, વ્યસન, વહેમ આ બધુ મુકી દિવ્યજીવન જીવતા થાય, અહીંથી કારણ સત્સંગનો પ્રચાર પ્રસાર થાય એવી દયા કરજો ”
આમ, પંચમહાલની ગૌરવવંતી પશગાથામાં સોનેરી સોપાન એટલે સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીનો ભવ્ય મંદિરનો સંકલ્પ.
ઈ.સ. 1984માં અમદાવાદમાં આવેલ ઘનશ્યામનગર મંદિરના દશાબ્દી મહોત્સવ પ્રસંગે પ.પૂ.બાપજીએ નવા દસ ગામમાં સત્સંગ કરાવવાનો સંકલ્પ કર્યો. એ સંક્લ્પ અનુસાર પૂ.સ્વામીશ્રી 24મી ફેબ્રુઆરી 1984ના રોજ ગામ ગોધર પધાર્યા. પ.પૂ.બાપજીના સંક્લ્પને પુરો કરવા પૂ.સ્વામીશ્રીના હૈયામાં અનેરો આનંદ હતો. એ માટે ભુખ,દુખ,થાક ભુલી પૂ.સ્વામીશ્રીએ 8 દિવસમાં 21 ગામમાં 27 સત્સંગ સભાઓ કરી તથા 4,000 મુમુક્ષુઓને નિર્વ્યસની કરી મનુષ્ય જીવન જીવવાનો રાહ ચિંધવ્યો. લગભગ 700 થી 800 મુમુક્ષુઓ વર્તમાન ધરાવી, કંઠી બાંધી સત્સંગી થયા. પૂ.સ્વામીશ્રીના મુખે પ.પૂ.બાપજીનો મહિમા સાંભળી સૌ હરિભક્તોને ગુરુવર્ય પ.પૂ.બાપજીના દર્શનની તીવ્ર ઈચ્છા થઈ. પૂ.સ્વામીશ્રીના વચને પ.પૂ.બાપજી ગામ ગોધર પધાર્યા. આસપાસના ભક્તોને ભગવાન ભજાય અને સંતનો સમાગમ થાય તે હેતુથી મંદિર કરાવવા હરિભક્તોએ પ્રાર્થના કરી. શ્રીજી મહારાજ, બાપાશ્રી અને સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીના અધુરા સંકલ્પને યથાર્થ જાણનાર પ.પૂ.બાપજીએ સૌ હરિભક્તોના મનોરથો પૂર્ણ કરવા મંદિર બાંધવાનો સંક્લ્પ કર્યો અને સૌ ભક્તો રાજી થઈ ગયા ”
પ.પૂ.બાપજીએ પંચમહાલની ભુમિ ઉપર મંદિર કરવાનો સંકલ્પ કર્યો. પ.ભ.શ્રી કાળુભાઈ નાથાભાઈ પટેલ અને મણીભાઈ નાથાભાઈ પટેલના ભુતિયા ખેતરને મંદિર નિર્માણ માટે પસંદ કર્યું. પરંતુ, ભુતિયા ખેતરમાં વર્ષોથી ભુતો રમે,નાચે,કુદે અને લોકોને રંજાડે. પ.પૂ.બાપજી આ ભુતિયા ખેતરમાં પધાર્યા. હરિકૃષ્ણ મહારાજને બિરાજમાન કર્યા મહાપ્રભુની આરતી કરી, પ્રસાદીનું જળ કર્યું અને પ્રસાદીના જળનો છંટકાવ કરી ભુતોનો મોક્ષ કર્યો. પંચમહાલની આ ભોળી પ્રજામાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ ચેતનાનો સંચાર કર્યો. સદ્દગુરુ ગોપાળાનંદ સ્વામીની અમીર પેઢીના વારસદાર એવા પ.પૂ.બાપજીએ આ પંચમહાલની ભોળી પ્રજામાં એક સત્સંગની શરુઆત કરી. ઈ.સ.1993માં લુણાવાડા ખાતે ઉજવાયેલ “બાપાશ્રી મહોત્સવ” ઉપક્રમે લુણાવાડા ખાતે જમીન સંપાદન થઈ. જમીન લેવલીંગનું કામ શરુ થયું. પરંતુ આ જમીનમાં ઝેરી સાપ, ઘો, વીંછીનો ત્રાસ ખુબ જ હતો. દરેક હરિભક્તો સેવા કરવા આવે પરંતુ સેવા ન કરી શકે. જમીન લેવલીંગ માટે જ્યારે ટ્રેક્ટરો ફરતા હોય ત્યારે સાપ ટ્રેક્ટર ઉપર આવીને બેસી જાય. હરિભક્તોએ પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરી અને પૂ.સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને અને પ.પૂ.બાપજીને પ્રાર્થના કરી પ્રસાદીનું જળ કર્યુ. અને એ જ દિવસથી જ્યાં સુધી મહોત્સવ પુર્ણ ન થયો ત્યાં સુધી ક્યારેય પણ સાપ,વીંછી,ઘો જોવા મલી નથી. એ જ દિવસથી અમીર પેઢીના વારસદાર એવા પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રીએ મહારાજ ને બાપાના તથા સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના સંકલ્પને પૂર્ણ કરવા કારણ સત્સંગ બીજ રોપવાના શરુ કર્યા. પ.પૂ.બાપજી અને પૂ.સ્વામીશ્રી તથા સંતોએ આ ઝાડી દેશમાં અત્યાર સુંધી અવીરતપણે વિચરણ ચાલુ રાખી આ કારણ સત્સંગના બીજને પૃષ્ટિ આપી છે. આજે આ બીજ સાકાર સ્વરૂપ ધારણ કરી ભવ્ય મંદિર સ્વરૂપે નિર્માણ પામ્યા છે. તથા સમગ્ર પંચમહાલમાં કારણ સત્સંગના વિજય વાવટા ફરક્યા છે. પ.પૂ.બાપજીના પ્રચંડ સંકલ્પ અનુસાર તારીખ 25 ડીસેમ્બર 2005ના રોજ ભવ્ય શીખરબંધ્ધ મંદિર નિર્માણ પામ્યું અને પ.પૂ.બાપજીના દિવ્ય હસ્તે ભગવાન સ્વામિનારાયણની દિવ્ય મૂર્તિની પ્રતિષ્ઠા થઇ અને પ.પૂ.બાપજીની પંચમહાલ પર વરસેલી કૃપામાં વધારો થયો. આજ રોજ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનો ભવ્ય સંકલ્પ સાકાર થયો.